દિકરી

દિકરી એટલે
કોઈકવૈશાખી ઊની બપોર તો કદીક…..
શરદપૂનમની શાંત શીતળ ચાંદની

દિકરી એટલે
શિયાળાની સવારે પુષ્પની પાંખડી પરનું ઝાકળ તો કદીક…..
ફરરર્ ફરરર્ વાતો વાસંતી વાયરો.

દિકરી એટલે
ભીનીભીની સાંજે પશ્ચિમાકાશનું મેઘધનુષ તો કદીક…..
ખળખળ વહેતી સરિતાનું સુરીલું સંગીત.

દિકરી એટલે
સાગરની ભરતીએ કાંઠે ટકરાતું ઘૂઘવતું મોજું તો કદીક …..
નિર્દોષ નિખાલસ માસૂમ મોહકપતંગિયું.
દિકરી એટલે
એક કાંકરીચાળે સરોવરમાં ઉઠતાં તરંગ તો કદીક…..
હાથની બંધ મુઠ્ઠીમાં પકડેલી રેત.

– અતુલ દવે

પ્રમાણભૂત

હું

જેવો છું હું

તમારી આગળ છું

વાળો તેમ વળી જઈશ

હું કાગળ જેવો છું.

ન માનશો કે

કોઈ છળ જેવો છું

પણ હા હું

સરી જતી પળ જેવો છું.

મન મુકીને વરસી જઈશ

હું તો સાવ

વાદળ જેવો છું

પલકમાં ઉડી જઈશ

હું તો સાવ

ઝાકળ જેવો છું.

 

~ અતુલ દવે

પ્રમાણભૂત

જીવન

બચપણ એટલે

માની ગોદ અને

કલબલ કલબલ,

જોમ જુવાની એટલે

હીંચતુ હૈયુ અને

હલબલ હલબલ,

ઘડપણ એટલે

ઘરની મેડી અને

આકળ વિકળ,

જીવન એટલે

વહેતું ઝરણું

ખળખળ ખળખળ.

 

~ અતુલ દવે

પ્રમાણભૂત